કાણોદરમાં NRI મહિલાએ ગુજરાતનું પ્રથમ સંપૂર્ણ ટેકનોલોજીથી સંચાલિત ડેરી ફાર્મ બનાવ્યું.
આ અંગે મરજીયાબેન મુસાના જણાવ્યા મુજબ ‘અમેરીકા, કેનેડા જેવા દેશોમાં અલગ-અલગ ડેરી ફાર્મની મુલાકાત અને કામ કરી જાણકારી મેળવી. પોતાના વતન કાણોદરમાં 4 વિઘામાં 2015 માં 10 ગાયથી પશુપાલનની શરૂઆત કરી હતી અને અત્યારે 135 મોટી અને 40 અન્ય ગાયો મળી કુલ 175 ગાયો છે. જેમાં રોજનું બે ટાઇમનું 1150 લીટર દૂધ ભરાવી મહિને લાખોની કમાણી થઇ રહી છે.
વિશ્વ સ્તરના પશુપાલનના જ્ઞાનથી અહીંના ખેડૂતોને પોતાના વર્ષો જૂના વિચારોથી બહાર લાવી વિદેશી ડેરી ફાર્મીંગ પદ્ધતિ દ્વારા દેશી જેવી કે કાંકરેજ અને ગીર ગાયને ક્રોસ બ્રીડીંગ દ્વારા ઉચ્ચ નસલની ગાય પેદા કરવાનો અને બેક્ટેરીયા રહિત, અન-ટચ મિલ્કીંગ, સમતોલ પોષ્ટીક આહાર મિક્ષર તથા બાયોગેસ સુધીની દરેક ટેકનોલોજીનો ઉપયોગ કરી હવે પછી બ્રાઝિલ કે યુરોપના દેશો પર આધારિત ન રહેવું પડે તેવા અભિગમ સાથે આ ડેરી ફાર્મ શરૂ કરી ડેરી ફાર્મિંગમાં ક્રાંતિ લાવવાનો છે. તેમજ અમેરિકામાં બેઠાબેઠા ફાર્મ ઉપર મોનીટરીંગ થાય છે.
આ ફાર્મમાં લાઇટ અને પંખા પણ ઓટોમેટીક ચાલે છે. તેમજ 10 દિવસે આ ફાર્મમાં બેક્ટેરીયા મારવા જમીન ઉપર દવાના સ્પ્રેનો છંટકાવ થાય છે. જેથી મચ્છર ઉપદ્રવ ન થાય. આ ફાર્મ બનાસકાંઠાના પશુપાલન ઉછેર ઉદ્યોગને વધુ નફાકારક બનાવવા તેમજ જુવાન ખેડૂત પુત્રોને આધુનિક ડેરી ફાર્મીંગ તરફ ઉત્સાહીત કરવામાં મદદરૂપ થશે.
આ ફાર્મમાં હાયર બિહેવીયર (વાછરડાનું વર્તન) વાયરલેસ મોનીટર સીસ્ટમ વિદેશી ટેકનોલોજી લગાવી તથા કુલી ઓટોમેટીક મિલ્કીંગ પાર્લર દ્વારા જરૂરીયાતના કોમ્પ્યુટરાઇઝ ડેટા મેળવવામાં આવે છે. આ દરેક ટેકનોલોજીથી સંચાલિત ગુજરાતનું આ પ્રથમ ડેરી બ્રીડીંગ ફાર્મ કાર્યરત હોવાનો મરજીયાબેનનો દાવો છે. જેને વિશ્વના કોઇપણ ખુણાથી મોનેટીરીંગ કરી શકાય છે.
આધુનિક ડેરી ફાર્મમાં આર.એફ.આઇ.ડી. બીહેવીયર (વર્તન) મોનીટરીંગ ટેગ (પેડો મીટર) જે ગાયના પગમાં લગાવી ગાયના વર્તનની માહિતી મેળવવામાં આવે છે. જેવી કે, ગરમીમાં આવી, પ્રતિ ગાયનું દૂધ, વાગોળવાની પ્રક્રિયા અને કાલવીંગ પરફોમન્સ (હવે ક્યારે બચ્ચુ આપશે) ની જાણકારી મેળવાય છે. સૌથી અગત્યનું ગાય મસ્ટાઇટીસ (ગાયના આંચળમાં થતો રોગ) થાય તે પહેલાં જાણ થાય છે. આમ આ સંપૂર્ણ માહિતી કમ્પ્યૂટરમાં મેળવાય છે. જેમાં બિમાર ગાય હોય તો તેની દવા પણ કમ્પ્યૂટરમાં ઓનલાઇન બતાવે છે.
ગાયને ખોરાકમાં આપવામાં આવતાં મકાઇ, જુવાર, કેટલ ફીડ્સ સહિતના વિટામીન લેબ ટેસ્ટ કરાય છે અને તેમાં ખૂટતા જરૂરી પોષણતત્વો ખોરાકમાં ઉમરી આપવામાં આવે છે.
ગાયોને દોવા માટે મશીનો લાગેલા છે જેને મિલ્કીંગ પાર્લર કહેવાય છે. જેમાં દરેક ગાયને નંબર આપેલ છે. આમ મિલ્કીંગ પાર્લરમાં ગાય આવે એટલે મશીનમાં પહેલાં ગાયનો નંબર આવે અને ત્યારબાદ તેનું દૂધ દોવાનું ચાલુ થાય તેમાં કઇ ગાયએ કેટલું દૂધ આપ્યું તેની જાણકારી પણ કમ્પ્યૂટર દ્વારા મેળવાય છે. જેમાં ગાય ઓછું દૂધ આપે તો કાલે વધારે આપ્યું હતું અને આજે ઓછું કેમ તે પણ ખબર પડી જાય છે.
Original Source: Divya bhaskar
Marjiya Musa
– Managing Director
– marjiya@mukhidairyfarm.com